ગુરુવાર, 21 જૂન, 2012

રાખશો નહીં


વાત સનમ, હવે તમે કોઈ અંગત રાખશો નહીં;
ન ગમતો હોઉં તો મારી ય સંગત રાખશો નહીં.

ન ગમે તમને મારા વિના એવી પરિસ્થિતિ થશે;
તો જવા દો, મારી ય તમે આદત રાખશો નહીં.

હું છું ને તમારો પડ્યો બોલ ઝીલવા કાજ હવે;
તમારા શિરે હવે કોઈ  મુસીબત રાખશો નહિ.

વહાવી દેજો, જો બદનામીનો થોડો ય ડર હોય;
લખ્યા છે મેં એમાંથી એકે ય ખત રાખશો નહીં.

તમારી આંખોમાં મારી કહાણી વાંચી લઉં છું હું;
હવે સનમ,એમાં બાકી કોઈ વિગત રાખશો નહીં.

હું તમને વધારે પ્રેમ કરું કે તમે મને કરો વધારે;
શું ફેર પડશે? આવી નાહક મમત રાખશો નહીં.

દિલ હારીને તમને માંડ માંડ જીત્યા છે મેં સનમ;
હું જીતુ ને તમે હારો એવી કોઈ રમત રાખશો નહીં

મારા આ તનમન પર હવે રાજ તમારું જ ચાલે છે;
સનમ. હવે બીજે ક્યાંય તમારી હકૂમત રાખશો નહીં.

સખીઓ આંખમાં ઊગેલ જાસુદનું રહસ્ય ય પૂછશે;
આવી  સખીઓ સાથે વધારે નિસબત રાખશો નહીં.

દિલ પર કોઈ જોર નથી ને દિલ કોઈ ચોર નથી;
પ્યાર ન કરો તો ભલે, કોઈ નફરત રાખશો નહીં.

ભલે આ ભવમાં મારું સ્થાન નથી તમારા નસીબમાં;
આવતા ભવોમાં આવું નઠારું કિસ્મત રાખશો નહીં.

આજે લખે છે નટવર,કાલે એ લખી ય ન શકે તો?
રોજરોજ મારી નજમ વાંચવાની લત રાખશો નહીં. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું