મંગળવાર, 19 જૂન, 2012

શું કામની?


જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની?
જે કદી ય પુરી ન થાય એવી મન્નત શું કામની?

જા, હવે નથી રમવું મારે તારી સાથે સનમ કદી;
હું હારું,તું જ કાયમ જીતે એવી રમત શું કામની?

થતા થતા થઈ જાય ઇશ્ક ને જિંદગીભર રોવાનું;
રડતા રડતા જ માણવાની એ ગમ્મત શું કામની?

જે દિલમાં કદી પ્યાર પ્રગટ્યો હતો કોઈના કાજ;
હવે એ જ ઘાયલ દિલમાં આ નફરત શું કામની?

નથી એનો કોઈ સાચો જવાબ કોણ કોને વધુ ચાહે;
જેનો ન હોય ઉત્તર એ પ્રશ્નની મમત શું કામની?

આઈનો ય વાંચી લે છે હર ચહેરા પાછળનો ચહેરો;
કદી ય જે ન છુપાવી શકાય એ વિગત શું કામની?

મહેફિલમાં આવી ગેરની નજમ પર વાહ વાહ કરે;
નટવર,હવે એ જાલિમ સનમની સંગત શું કામની?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું