શુક્રવાર, 1 જૂન, 2012

લાગે છે ડર......


લાગે છે ડર મને હવે આ હવાથી;
વાતનું કરે વતેસર એક અફવાથી.

દુઆ કરો દોસ્તો, મારા માટે તમે;
કંઈ ફેર નથી પડવાનો હવે દવાથી.

હાથ લંબાવીને શું કરવું હવે મારે?
પ્રભુ કંઈ નથી આપતો માંગવાથી,

ન ખબર હતી કે હું મારો ન રહીશ;
કોઈના માટે હું ખાસ થઈ જવાથી.

પ્યાસ રણની લઈને ફરતો રહ્યો હું;
જળ ઉછીનું લીધું છે મેં ઝાંઝવાથી.

ચાલતા ન શિખી શક્યો બરાબર હું;
ડરતો રહ્યો પડવાથી, આખડવાથી.

ધાકોર દિવાલ તરબોળ થઈ ગઈ;
થોડા વાદળાઓ ભીંતે ચીતરવાથી.

પુર નથી આવતા આંસુંઓની નદીમાં;
વારે વારે કોઈને યાદ કરીને રડવાથી.

વેદના થોડીક ઓછી થાય છે નટવર;
આ કલમને આંસુંમાં ડુબાડી લખવાથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું