રવિવાર, 20 મે, 2012

છું......


દાખલો ખોટી રકમનો હું ગણી રહ્યો છું;
સનમ,ઇમારત રેતીની હું ચણી રહ્યો છું.

જે નથી થયા કોઈના ય, ન થશે કદી;
એમને હું મારા પોતાના ગણી રહ્યો છું.

રાતભર વાવતો રહ્યો તારા જ સપનાં;
ને મીઠા મધુરા ઉજાગરા લણી રહ્યો છું.

તને કદી શીખવ્યા હતા પાઠ પ્રેમના;
પ્રમેય પ્રેમના તારી પાસે ભણી રહ્યો છું.

ઓ સનમ તને મનાવવા શું કરું વધુ?
તારા કાજ સૌને હવે અવગણી રહ્યો છું.

મારા મનોપ્રદેશ પર તારું જ રાજ છે;
એ મનોરાજ્યનો ક્યારેક ધણી રહ્યો છું.

એક વાર ભૂલથી સ્પર્શી ગઈ’તી મને;
સંતુરની જેમ હજુ હું રણઝણી રહ્યો છું.

ન પૂછ શું હાલત છે મારી તારા વિના;
હર શ્વાસે શ્વાસે હું ખુદને હણી રહ્યો છું.

વેદના પ્રસવની જનેતા જ માણી જાણે;
રોજબરોજ એક કવિતા જણી રહ્યો છું.

તારતાર થઈ નટવર સંબંધોની ચાદર;
લાગણીના તાણાવાણાથી વણી રહ્યો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું