ગુરુવાર, 31 મે, 2012

ન લખી શક્યો


થોડા શબ્દમાં હું તનાવ ન લખી શક્યો;
સાગરના પાણી પર નાવ ન લખી શક્યો.

બે આંખો ચાર થઈ ને દિલ થયું ઘાયલ;
કેમ કરી બન્યો એ બનાવ ન લખી શક્યો.

નજર પહોંચે ત્યાં સુધી બસ રસ્તા રસ્તા;
જિંદગીના રાહમાં પડાવ ન લખી શક્યો.

એમ જોઈએ શું નથી મારી પાસે સનમ?
તું નથીનો વસમો અભાવ ન લખી શક્યો.

આંખ મારી ખૂલે ને સપનું તૂટી જાય તારું;
સપનાંમાં તારી આવજાવ ન લખી શક્યો.

કેટલી નાની વાત પર રીસાય ગઈ છે તું?
આપણી વચ્ચે અણબનાવ ન લખી શક્યો.

સંબંધો તો બંધાય જાય ને અમસ્તાં તૂટે ય;
કોઈનો કેમ થાય છે લગાવ?ન લખી શક્યો.

પહેલી વાર મળ્યા હતા ત્યારે શું થયું હતું?
લખલખ કર્યું,બસ હાવભાવ ન લખી શક્યો.

કેમ કરી વીસરે હવે નટવર તને ઓ સનમ?
મુજ પર તારો કેવો પ્રભાવ? ન લખી શક્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું