બુધવાર, 23 મે, 2012

નમસ્કાર કરીને


મને એઓ યાદ કર્યા કરે સાવ સીમાપાર કરીને;
કહો, હવે શું કરવું મારે  એમને સાથીદાર કરીને.

મળે છે તો હસે છે અને ઢાળી દે નશીલાં નયનો;
લે છે મજા  એઓ આવો ઠાલો શિષ્ટાચાર કરીને.

થતા થતા થઈ જાય છે સનમ પ્યાર સૌ કોઈને;
નથી કરતું કોઈ પ્યાર તમારી જેમ વિચાર કરીને.

જેવો છું એવો આપનો છું અને રહીશ જિંદગીભર;
અજમાવી જુઓ મારી લાગણીનો અંગીકાર કરીને.

છે એક સરખાં પથ્થર મંદિર,મસ્જિદ ને દેવળમાં;
પ્રભુ નિરાંતે બેઠો છે બધે શ્રદ્ધાનો વિસ્તાર કરીને.

દેશસેવાની કેટલી ય નવી નવી રીતો છે હવે તો;
સેવા કરી મેળવે છે મેવા  નેતા ભ્રષ્ટાચાર કરીને.

કોણ જાણે કયા વેશમાં મળી જાય પ્રભુ કોને ખબર?
એટલે તો નટવર સહુને મળતો રહે નમસ્કાર કરીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું