રવિવાર, 20 મે, 2012

એ ન પૂછો મને


કેવી રીતે વિતાવી છે મેં હરેક રાત એ ન પૂછો મને;
ઘનઘોર રાતના ય રંગ કેમ છે સાત એ ન પૂછો મને.

ન એણે મને કંઈ કહ્યું ન મારે ય કંઈ કહેવું પડ્યું એને;
કેવી રીતે થઈ ગઈ છે બધી ય વાત એ ન પૂછો મને.

લડતા લડતા હારવાની હવે આદત થઈ ગઈ છે મને;
યારો, કેવી રીતે ખુદને કરું હું મહાત એ ન પૂછો મને.

રોજબરોજ સવાર સાંજ એકનો એક આયનો નિહાળતા;
નથી થતી કેમ ખુદની સાથે મુલાકાત એ ન પૂછો મને.

કહેતા હતા કે જીવી ન શકશે જુદા પડી કદી ય એઓ;
એમણે જ મને કરી દીધો કેમ બાકાત એ ન પૂછો મને.

હસતા હસતા રમતા રમતા બે ડગલા આગળ ચાલતા;
સાલુ આ કિસ્મત ક્યારે મારી દે લાત એ ન પૂછો મને.

રંગબેરંગી તો ય થોડી કઢંગી આ માણસ જાત બનાવી;
કેમ હવે પસ્તાય છે આ જગતનો તાત એ ન પૂછો મને.

વેદના વિરહની વહાલી લાગવા માંડે નટવરને હવે તો;
હશે કેવી મારા અમર પ્રેમની શરૂઆત એ ન પૂછો મને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું