બુધવાર, 11 એપ્રિલ, 2012

લાગે છે

દોસ્તો કહે છે નટવર તારી કવિતાઓ રૂહાની લાગે છે;
જાણ્યે અજાણ્યે સહુને એમાં પોતાની જ કહાની લાગે છે. 

ડાહ્યો છું, એમ તો હું ય સાવ પાગલ નથી યાર મારા;
ન જાણે કેમ તો ય મને આ દુનિયા દિવાની લાગે છે.

હું ય જાણું છું કે આ કમબખ્ત જવાની તો જવાની છે.
હવે તો સનમ, એ ય તારા તરફ જ જવાની લાગે છે. 

જરૂર મારાથી થઈ જશે આજ તો કોઈ હસિન ગુન્હો;
તમારી નજર સનમ મને આજ બહુ તુફાની લાગે છે.

થઈ જવા દો ઇશ્ક એક વખત જિંદગીમાં એક વાર;
પછી આ હસતી રમતી જિંદગી દોસ્ત, ફાની લાગે છે.

બહુ ગુફ્તગૂ કર્યા રાખી છે નજરોથી આવતા જતા;
હોઠ થરથરે છે, આજ વાત હોઠોથી થવાની લાગે છે. 

એમનો ખયાલ રમ્યા કરે સવાર સાંજ દિલમાં મારા;
મળ્યા છે ત્યારથી સવાર મસ્તાની શામ સુહાની લાગે.

કેવી રીતે પડખું ફેરવીશ હું એમાં કહે તું દોસ્ત મને;
પ્રેમથી તેં ખોદેલ મારી આ કબર બહુ નાની લાગે છે.

લખતો રહ્યો છે અને લખતો રહેશે નટવર જિંદગીભર;
દોસ્ત, આ જાદુઈ અસર જરૂર કોઈ દુઆની લાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું