રવિવાર, 8 એપ્રિલ, 2012

અણમોલ મતા

થઈ ગઈ છે મારાથી બસ જ એક ખતા;
આવડી ગયું મને ય થોડું થોડું લખતા.

સંતાયો છું હું એના સુરમઈ સુનયનમાં;
ભલેને દોસ્તો માન્યા રાખે મને લાપતા.

એવા તો કદીક વીંટાયા હતા એ મને;
જેમ વીંટાઈ વડલાને કોઈ કોમળ લતા.

છે બૂરી બલા ઇશ્ક, ન હતો કરવો મારે;
છતાં ય બસ થઈ ગયો ઇશ્ક થતા થતા.

દ્વાર દિલનાં ને ઘરનાં ખુલ્લા રાખ્યા છે;
શાયદ એઓ આવી જાય ફરતા ફરતા.

જીવી રહ્યો છું હું તો બસ એક ઉમીદથી;
કરી હતી એમણે એક નજર જતા જતા.

આ ય કેવી અજબ વાત છે યાર મારા;
જીવી રહ્યો છું કોઈના પર મરતા મરતા.

થોડા આંસું,થોડી યાદો ને અસીમ તન્હાઈ;
બસ એ જ છે મારી પાસ અણમોલ મતા.

નથી ઓળખતા આજકાલ મને એ પણ;
બદલી નાંખો મારા ઘરના હર તખતા.

કહ્યું’તું એમ તો નટવરે ન જીવી શકીશ;
એમના વિના ય યાર જીવવું પડે છતાં.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું