મંગળવાર, 17 એપ્રિલ, 2012

કોઈ નથી વાત


તું પૂછે અને હું  ન કહું એવી તો કોઈ નથી વાત;
આ દિવસ તો પસાર થઈ જાય,નથી ખસતી રાત.

હું ધારું તો દુનિયા આખી જીતી લઉં દોસ્ત મારા;
બસ એક નથી કરી શકતો કદી ખુદને હું મહાત.

મળી મારી ને એની નજર પણ ન કોઈ વાત થઈ;
અને તો ય યાદગાર બની ગઈ એ એક મુલાકાત.

શ્વાસ લેતો હતો અને છોડતો હતો એના વિના હું;
હવે લાગે છે જીવવાની થઈ રહી છે શુભ શરૂઆત.

તારા ગાલના એ ખંજનોમાં ડૂબી મરવાનું ગમશે;
નજૂમી એમ સાચો પડે, ડૂબવાની ભાખી છે ઘાત.

શું આપું? શું ન આપું તને હું તું જ કહે મને સનમ;
હવે શું આપવું?મેં તો તને સોંપી દીધી મારી જાત.

દીવાલો ય સાંભળવા લાગશે તમારા દિલની વાત;
તન્હાઈમાં જો કરશો કોઈ દિલની વાતની રજૂઆત.

જનારને ન રોકી શકાય કદી નટવર ન સમજ્યો એ;
પસંદ ન આવી એને ય તારા આ શબ્દની સોગાત;

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું