ગુરુવાર, 12 એપ્રિલ, 2012

થઈ ગયો


માફ કરશો યારો મને, મારાથી ય એક કસૂર થઈ ગયો;
જેઓ ન કદી થયા મારા, હું તો એમનો જરૂર થઈ ગયો.

ટોળામાં ભળવાની કેવી મજાની સજા મળી ગઈ છે મને;
ધીરે ધીરે મળતો ગયો સૌને ને ખુદથી હું દૂર થઈ ગયો.

નિહાળી મને છુપાવ્યો શરમથી ચહેરો એવો પાલવમાં;
એમની મસ્ત અદા વારંવાર જોવા મજબૂર થઈ ગયો.

એમના સુંવાળા સ્પર્શની આ તે કેવી અદભૂત અસર છે!
હતો હું પાસા વિનાનો પાષાણ, હવે કોહિનૂર થઈ ગયો. 

કહી નથી શકતા કદી જે એમના દિલની વાત દિલબરને;
એવા તો કેટલાંય મરીઝ-એ-દિલનો હું એક સૂર થઈ ગયો.

થોડો એમનો, થોડો મારી બેપનાહ ચાહતનો ય દોષ હશે;
એક સીધી સાદી છોકરીને એના હુસ્ન પર ગરૂર થઈ ગયો.

ઠુકરાવીને ગયા મારા સનમ મને એવી રીતે ઓ યારા;
શું કહું તને?અહમ્ મારી જવાનીનો ચકનાચૂર થઈ ગયો.

મેળવે બે દિલને ને કરી દે તું સદાને માટે અલગ એવા;
ઓ ભગવાન મારા, તું કેમ આટલો બધો ક્રૂર થઈ ગયો?

તરસી રહ્યો છે વાંસો મારો તારા હેત ભર્યા ધબ્બા માટે;
તું કેમ માને દોસ્ત? વસી પરદેશમાં હું મગરૂર થઈ ગયો. 

હતો ત્યારે હતો એક જમાનો નટવરનો પણ યાર મારા;
આવી પરદેશમાં, એ ય ભણેલ ગણેલ મજદૂર થઈ ગયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું