મંગળવાર, 13 માર્ચ, 2012

મારી તલાશમાં


ફૂંક્યા કરું છું રોજ  થોડો થોડો પ્રાણ હું મારી લાશમાં;
અને એ ખભે નાંખી નીકળી પડું હું મારી તલાશમાં.

કદીક તો હું મને મળી જઈશ આમ શોધતા શોધતા;
જીવી રહ્યો છું બસ હવે હું તો એક માત્ર એ આશમાં.

નથી મળતો, નથી ભળતો, રહું હર હંમેશ ટળવળતો;
જરૂર કોઈક તો કમી રહી ગઈ હશે  મારી  તપાસમાં.

આંખો મારી આજકાલ છલકાય જાય છે બન્ને કિનારે. 
જરૂર વરસ્યો છે વરસાદ એની યાદોનો ઉપરવાસમાં.

ઊબડખાબડ વાંકા ચૂકા લાંબા લાંબા રસ્તાઓ જ છે;
ક્યાંય નથી મળતી મંજિલ જિંદગીના આ પ્રવાસમાં.

સતાવ્યા રાખે હર ઘડી મને એની આહટના ભણકારા;
છે જોજનો દૂર ને મને લાગે એ છે મારી આસપાસમાં.

થાય છે જ્યારે જ્યારે પહેલો વરસાદ અહિં પરદેશમાં;
શોધતો રહું છું હું દેશની માટીની સુવાસ મારા શ્વાસમાં.

કોણ છું હું કદી ય વીસરી ન જાઉં બસ એટલાં માટે;
લટકાવ્યા છે આયનાઓ મેં હર ભીંતે મારા નિવાસમાં. 

લખવા બેસે ચાહીને તો કંઈ જ લખી ન શકે નટવર;
ને ક્યારેક શબ્દો આપોઆપ ગોઠવાય જાય છે પ્રાસમાં








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું