શનિવાર, 10 માર્ચ, 2012

નથી...


હાથે કરીને હારી ગયો છું દિલ મારું, એ તારો વિજય નથી.
તને શું ખબર પડે મારી પીડા? જાણે તારે તો હ્રદય નથી.

સખીઓ સાથે હરદમ કરતી રહે છે તું મારા વિશે વાતો;
કમબખ્ત મારા મ્હોંએ કેમ કહે મારે ને તને પ્રણય નથી?

મારી છાતીમાં ધબકે તારા નામે, તારી છાતીમાં મારે નામે;
અલગ જગા ને હ્રદય, તો ય એનો કોઈ અલગ લય નથી.

તારી આંખોનું એવું છે કે કદમ મારા લડખડાય એને જોતા;
આંખોમાં તારી છે આંસું મારી યાદમાં,એ તો કોઈ મય નથી.

તને વીસરવાનો ઠાલો યત્ન કરતા કરતા યાદ કરું હરદમ;
ને વીસર્યા પછી મને યાદ કરવાનો તારો કોઈ આશય નથી.

પ્યાર કર્યો તો ડરવાનું શું? કોઈ ગુન્હો નથી કર્યો આપણે;
તને દુનિયાભરના ડર ને મને મારા સિવાય કોઈ ભય નથી.

હસતા હસતા રમતા રમતા તોડી નાંખ્યું નાજુક દિલ મારું;
મારા એ ઘાયલ દિલનું હવે શું કરવું, હજુ કંઈ તય નથી. 

પકડ્યો છે સજ્જડ મુઠ્ઠીમાં મેં તારી સાથે વિતાવેલ વખતને;
ક્યારેક મારો ય હતો સારો ને આજે એ રેશમી સમય નથી.

હશે કોઈ મજબૂરી જે હશે બહુ બૂરી કે તું મને વીસરી ગઈ;
બાકી સનમ મારી, મને તારા પ્યાર પર કોઈ સંશય નથી.

શબ્દનું લે શરણું નટવર અસીમ તન્હાઈના દોરમાં દોસ્તો.
સાથ આપ્યો છે શબ્દોએ,એ સિવાય હવે કોઈ આશ્રય નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું